Contact Us

Download Our Brochure 
0
0.00 0 items

No products in the cart.

મારી વી. ઠા. ચોક્સી શાળાના મારા સમયના ૨-૪ વર્ષ આગળ કે પાછળ પણ લગભગ સાથે અભ્યાસ કરનારા મારા સહપાઠીઓ, ૨૦-૩૦ વર્ષ પહેલા અભ્યાસ કરનારા વડીલો અથવા ૧૦-૨૦ વર્ષ પછી અભ્યાસ કરનારા વિદ્યાર્થી મિત્રો, શાળા છોડ્યાના ૨૦ વર્ષ પછી તારીખ ૨૮-૦૨-૨૦૨૩ મને ૧૦-૧૨ ધોરણના વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા જવા માટેનું આમંત્રણ શાળાના આચાર્ય શ્રી. વિજય બારોટ સાહેબે આપ્યું. શાળાની મારી આ વિઝિટ મિક્સ ફીલિંગ જેવી હતી - સૌથી પહેલા તો શાળાની અંદર પગ મુક્ત જ મને મારા બાળપણના ૧૦ વર્ષ (૧ થી ૧૦ ધોરણ) જાણે કે એક મૂવીની જેમ આંખ સામેથી પસાર થયા; શાળાના મેદાન, કલાસરૂમ, પાણીની પરબ કે અરે શાળાના શૌચાલય સુદ્ધામાંથી જાણે કે કોઈ અગોચર શક્તિ પોતાની પાસે બોલાવતી હોય એવું લાગ્યું. મારી નજર સામે મને હું પોતે અને મારા સહપાઠીઓ ક્લાસમાં ભણતા, મેદાનમાં રમતા અને તોફાન કરતા - આમતેમ દોડા-દોડી કરતા દેખાયા. આપણા સમયના શિક્ષકોમાંથી ૯૯% શિક્ષકો નિવૃત્ત થઇ ગયા, કોઈક કોઈક પ્રભુના ધામમાં પણ ચાલ્યા ગયા - એમની ગેરહાજરી જરૂર વર્તાઈ. જુના શિક્ષકોમાં ફક્ત વિજય બારોટ સાહેબ, શૈલા ટીચર અને મહિડા સાહેબની સાથે મુલાકાત થઇ.

જે શિક્ષકોના હાથ નીચે ભણ્યા એમની સાથે એમની સમકક્ષ મંચ ઉપર બેસતી વખતે સંકોચ, ગૌરવ અને ઉત્તેજના ત્રણેયનો મિશ્ર અનુભવ થયો.

હવે વાત કરું કરુણતા ની, તો આપણી શાળા એની સ્થાપનાના ૯૭માં વર્ષમાં હોવા છતાં આજે જાણે કે વેન્ટિલેટર ઉપર છે, મારા કેટલાક અવલોકનો:

- શાળાના ૪ માંથી ફક્ત ૨ જ બિલ્ડીંગ વપરાશમાં છે, કારણ વિધાર્થીઓની પાંખી સંખ્યા (કારણ, બે વર્ષના કોરોના કાળની વિપરીત અસરોને લીધે મોટા ભાગના લોકો શાળા વિસ્તારમાંથી  સ્થળાંતર કરી ગયા, ભાડુઆત રહીશો ની મોટા પાયે થયેલ હિજરત-સ્થળાંતર, શાળા વિસ્તારની નગર પ્રાથમિક શાળાઓમાં ઘટતી જતી વિદ્યાર્થી સંખ્યા, નવા રોડ રસ્તા ફ્લાય ઓવર વગેરે  નવા બાંધકામ ને કારણે છેલ્લા દસકાઓમાં થયેલ નિયમાનુસારનું ડિમોલિશન, અંગ્રેજી માધ્યમનો વધતો દબદબો, આજુબાજુના વિસ્તારમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધારે શાળાઓની સંખ્યા, શાળાના વિદ્યાર્થીવર્ગની શિક્ષણ પ્રત્યે અરુચિ અને શિક્ષા માટેનું પારિવારિક દુર્લક્ષ)

- ખાનગી એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે શાળામાં ભણ્યા વિના પણ બહારથી જ પરીક્ષા આપી શકાય તેવી નીતિ

- શાળા વિસ્તારની કુલ ૨૦ જેટલી નગર પ્રાથમિક ની શાળાઓ માંથી લગભગ ૧૩ શાળાઓ બંધ થઈ ચૂકી છે સાત શાળાઓ ચાલુ છે તેમાંથી પણ ચાર શાળાઓમાં એકદમ ઓછી વિદ્યાર્થી સંખ્યા છે ફક્ત ત્રણ પ્રાથમિક શાળા જ સારી રીતે ચાલે છે

- ઓછા વિદ્યાર્થીઓને કારણે સારા અને પૂરતા શિક્ષકોનો અભાવ

- વિધાર્થીઓનું પોતાનું જ કથળતું જતું બૌદ્ધિક સ્તર અને સંસ્કારનો અભાવ

- વિધાર્થીઓના પરિવારોની નબળી આર્થિક સ્થિતિ અને અધવચ્ચેથી અભ્યાસ છોડીને કામ પર જવાની વૃત્તિ 

- વિદ્યાર્થીઓની તેમની ઉમર કરતા ઘણી ઓછી પરિપક્વતા અને લક્ષ્ય-હીનતા; શાળા વિસ્તારના વાલીઓની શિક્ષણ પ્રત્યેની અતિશય ઓછી જાગૃતિ

- શિક્ષા ક્ષેત્રે એક જમાનામાં ધુરંધર ગણાતા શિક્ષકોની નિવૃત્તિ કે અવસાનને કારણે સતત થતી બાદબાકી  અને નવા સારા યુવાધનની શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશવાની ઉદાસીનતા

- આજની કોર્પોરેટ ક્લચર ધરાવતી આધુનિક 5 સ્ટાર ખાનગી સ્કૂલોની સામે ઝીંક ઝીલવાની અશક્તિ

- ઓનલાઇન માધ્યમો પર વધતી અને શાળાઓ ઉપરની ઘટતી નિર્ભરતા  

…અને આ સ્થિતિ કદાચ આ શહેરની મારી શાળાની સમકાલીન તમામ ટ્રેડિશનલ સ્કૂલોની હશે એવું મારુ એક અનુમાન છે; શહેરના હાર્દ સમા જુના કોટ વિસ્તારની વર્ષો જૂની શાળાઓની ઉત્તરોત્તર કથળતી જતી હાલત વિષે આ અને આવા અનેક કારણો મારા મનમાં ઉદ્ભવ્યા પણ રણ વચાળે પણ વીરડી જેવી વાત જે મને જોવા મળી તે નીચે મુજબ હતી -

- આ શાળાને ને છોડીને જઈ શકવાની અને કારકિર્દીમાં આગળ વધવાની તમામ તકો હોવા છતાં આ આ શાળાંના આચાર્ય, શિક્ષકો અને સહાયક (પટાવાળા) મિત્રોએ પણ આ શાળાનો હાથ હજી સુધી છોડ્યો નથી 

- ઉપરના તમામ અવરોધો હોવા છતાં તેમણે હાર નથી માની, છેલ્લા ઘણા વર્ષોથી તેઓ લડે છે અને હજી પણ લડી જ રહ્યા છે, મસ્તક કપાય છતાં પણ ધડ લડતું રહે એ રીતે આ શિક્ષકો આ સેવાયજ્ઞમાં દશકો થી આહુતિ આપ્યા જ કરે છે

- આ શાળાના આચાર્ય વિજય બારોટ સાહેબ, જે અંતર થી એક મૃદુ હૃદયના કવિ અને લેખક છે અને નિયતિથી એક મજબૂત મનોબળના શિક્ષક - એમણે હજી પણ આ શાળા અને તેના વિદ્યાર્થીઓ પ્રત્યેનો વિશ્વાસ છોડ્યો નથી

- પોતાના ખિસ્સાના પૈસાથી બાળકોની સ્કૂલ અને કોલેજ સુદ્ધાની ફી ભરવાનું સૌજન્ય બતાવ્યું છે એ પણ નિસ્વાર્થ ભાવે - અને એમના આ યજ્ઞમાં જોડાયા છે શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક તમામ કર્મચારીઓ

- તેમની નિસ્વાર્થ સેવાની ભાવનાથી આકર્ષાઈને શાળાના નિવૃત્ત અને જૈફ વયે પહોંચેલા લેજેન્ડ સમાન શિક્ષક મહિડા સાહેબ ઉનાળાની બળબળતી બપોરે ૧૦ કિલોમીટર દૂર થી વિદ્યાર્થીઓની મદદ કરવા માટે આવી પહોંચે છે - એ પણ લગભગ દરરોજ 

- શાળાના અન્ય એક ખુબ સિનિયર શિક્ષિકા શૈલા ટીચર ૩૩ વર્ષની નિષ્ઠાપૂર્વક સેવાથી કેટલીયે પેઢીઓને શિસ્તના માર્ગે લાવી ચુક્યા છે.

- શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓને શારીરિક રીતે ખડતલ બનાવનારા પી.ટી. શિક્ષિકા અરુણા ટીચર પણ હજી અડગ યોદ્ધાની જેમ શાળા પરિવારની સાથે ઉભા છે

- સહાયક કર્મચારીઓ નીતિન ભાઈ અને યોગેશભાઈ નું યોગદાન આ શાળાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે.

- પ્રાથમિક અને માધ્યમિક વિભાગના આ કર્મયોગીઓમાં  અન્ય ઘણા નામો છે આ યાદીમાં - પણ મારી યાદશક્તિ ઉપર હમણાં મારી ભાવનાઓ અને સંવેદનાઓ એ કબ્જો જમાવી દેતા એમને સાંભરી શકાતા નથી છતાં તેમને યાદ કરવાનો એક વિનમ્ર પ્રયાસ – “ભાવના ટીચર, ચેતના ટીચર, ગીતા ટીચર, કનક ટીચર, લક્ષ્મી ટીચર, કોકિલા ટીચર, સુધા ટીચર, સરયૂ મેડમ, અનસુયાબેન દેસાઈ મેડમ, શૈલેષ સર, પંકજ સર, ભરત સર, સુરતી સર, સોની સર, ભારતી ટીચર, મીરા ટીચર, મીના ટીચર, ચૌહાણ ટીચર, ઈલા ટીચર, શેખ સર (ક્લાર્ક),   પરમાર ટીચર, વળવી સર, પી.એ. પટેલ સર , ચૌધરી સર, ઉર્મિલા ટીચર, ગામીત સર, જોખાકર સર, સવિતા ટીચર, અનિલા ટીચર, માહલા ટીચર, ટંડેલ સર, પદ્મા ટીચર, સુનિતા ટીચર, હેતલ ટીચર, દિનેશ બારોટ સાહેબ, લાઇબ્રેરીયન બર્વે સાહેબ” અને (સહાયક સ્ટાફ) ઇકબાલ ભાઈ, કુંડા બેન, નીરુ બેન, યોગેશ ભાઈ, નીતિન ભાઈ, ગોવિંદ ભાઈ, ભીખા ભાઈ  - આ દરેકનું શાળા અને વિદ્યાર્થીઓના ઘડતરમાં અનન્ય યોગદાન રહ્યું છે,   

- ઉપરના નામો તો મારી શાળા-જીવન દરમ્યાનની યાદગીરી છે અને મારા શિક્ષકો પ્રત્યે મારી સ્મરણાંજલિ છે - પણ મારા શાળા છોડી ગયા પછી આજ દિન સુધી જેમણે આ નાવ નું સુકાન સંભાળવામાં શાળાના આચાર્યશ્રીને પડખે ઉભા રહીને યોગદાન આપ્યું છે તેમની નોંધ તો ખાસ લેવાવી જ જોઈએ - આવા જ કેટલાક કર્મ-નિષ્ઠ લોકોમાં સમાવેશ થાય છે -માનનીય ઉમેશભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, નીલિમાબેન ચૌધરી, શાળાના એડહોક કારકુન શ્રી દીપકભાઈ સુરતી અને વોચમેન કાકા ધીરજભાઈ - આ સૌ દિલથી કાર્ય કરી રહ્યા છે.

- આવા શિક્ષકો અને આવા આચાર્ય ખરેખર મારી શાળા વી.ઠા. ચોક્સીના જ હોઈ શકે

એક મહાકાય જહાજનો કપ્તાન જે રીતે છેલ્લે સુધી જહાજનો સાથ છોડતો નથી એ એ રીતે આ વી.ઠા. ચોક્સી શાળાનો કપ્તાન વીજય બારોટ સાહેબ પણ અડગ મને અને પહોળી છાતીએ ઉભા છે; એમને જોઈને મને લાગે છે કે એમના પ્રયત્નો અને સંઘર્ષો સામે આપણે હજી પણ વામન જ છીએ.

આ ઉપરાંત એમના આ સેવા-યજ્ઞમાં પોતાના તરફ થી નિયમિત રીતે આહુતિ આપનારા લોકોમાં શાળા સ્થાનિક વહીવટી સમિતિના અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ રંગરેજ સાહેબ નિયમિતપણે શાળાની મુલાકાત લે છે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના તમામ હોદ્દેદારો આ શાળા પ્રત્યે વિશેષ કાળજી રાખી રહ્યા છે શાળામાં તમામ પ્રકારની અદ્યતન શૈક્ષણિક સુવિધાઓ પણ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવેલ છે.

આ બસ મારા તરફ થી શાળાને અને એના તમામ શિક્ષકોને એક બહુ જ વિનમ્ર શબ્દાંજલિ છે.

આ વાંચનાર દરેક વ્યક્તિને મારી બસ એક જ વિનંતી છે કે જો તમે પોતાના જીવનમાં ક્યારેય પણ - એક વર્ષ કે એકાદ ધોરણ પૂરતું પણ જો વી.ઠા. ચોક્સી શાળામાં ભણ્યા હોવ તો એ વી.ઠા. ચોક્સી નામના  મંદિરના દર્શને જરૂર જજો - ત્યાં તમને શિક્ષક / ગુરુના સ્વરૂપે રહેલા દેવતાઓના દર્શન જરૂર થશે.

આ લેખ લખવાનો એકમાત્ર મુદ્દો અને ઉદ્દેશ્ય એ છે કે આપણી શાળા ૨૦૨૫ માં આવનારા ૩ વર્ષમાં ૧૦૦ વર્ષ - શતક પૂર્ણ કરવા જઈ રહી છે અને આટલો લાંબો સમય એક સંસ્થા તરીકે પૂર્ણ કરવો એ બહુ મોટી સિદ્ધિ છે - આજની કદાચ ૫ સ્ટાર શાળાઓ પણ ૧૦૦ વર્ષ પુરા કરી શકે એ તેમના માટે એક પડકાર હોઈ શકે - તો આવો આપણે સહુ ભેગા થઈને આપણી આ શાળાના શતક મહોત્સવને યાદગાર બનાવીએ

આ શતક મહોત્સવ નિમિત્તે શાળા તથા સંસ્થા ને કંઈક નાનામાં નાનો પણ ફાયદો થાય એવું કૈક આપણે મળીને કરીએ એ જ અનુરોધ છે - અને શાળાને આપણા પૈસાની એટલી જરૂર નથી જેટલી આપણા સૌજન્યની ની છે; આ સેવા-યજ્ઞમાં આહુતિ આપવા આપણે ફક્ત આટલું જ કરવાનું છે કે -

 - શાળાનું અત્યારનું ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ સક્રિય છે તેમાં સ્વેચ્છાએ જોડાઈએ.

- હાલમાં ૨૦૦ જેટલા એમાં સભ્યો છે જેમાંથી બે ચાર જણા સક્રિય છે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સેવાની જરૂર બે વર્ષ માટે સવિશેષ છે એમાં વધારે સમય પણ આપવાનો નથી વર્ષમાં બે ત્રણ વખત શાળાના કાર્યક્રમમાં શક્ય એ રીતે હાજર રહેવું દાખલા તરીકે રાષ્ટ્રીય પર્વ ઉજવણી ૧૫મી ઓગસ્ટ ૨ જી ઓક્ટોબર ગાંધી જયંતી અને ૨૬મી જાન્યુઆરી એ સિવાય કદાચ કોઈક જાહેર કાર્યક્રમ હોય અને જો અનુકૂળતા હોય તો આવી શકાય.

- ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના સભ્ય તરીકે વિશેષ કામ તો એટલું જ છે કે તમારા સમયના જેટલા પણ કોન્ટેક્ટ હોય તેમની સાથે મોબાઈલ પર વાતચીત કરીને ફક્ત વિદ્યાર્થીઓને જ મદદરૂપ થવાનું છે વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે માટે શક્ય તે રીતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મદદરૂપ થવાનું છે..

- ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળમાં સભ્યપદ સ્વીકારીને પણ મદદરૂપ થઈ શકાય જો અનુકૂળતા હોય તો વિચારવું જેથી આવતા વર્ષે મે જૂન મહિનામાં નવા પ્રવેશ ની સંખ્યા જેટલી છે તેટલી જાળવી શકાય અથવા થોડી ઘણી વધારી પણ શકાય.

- સોશિયલ મીડિયા - ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય દ્વારા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની જ માતૃશાળા ને  ખાસ મદદ કરી શકે. આ માટે અમે "Mission – Centenary Celebration of V.T. Choksi"" નામનું ફેસબુક પેજ બનાવ્યું છે તો તેમાં જોડાઈને સંસ્થાની સાથે વર્ચ્યુઅલી જોડાયેલા રહીએ. એ માટે ફક્ત આ લિંક (https://www.facebook.com/vtcsurat) પર ક્લિક કરીને જોડાઈ જાઓ.

- તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જો ધારે તો ધોરણ_9 નવ અને ધોરણ 11 ના નવા પ્રવેશ માટે શાળા વિસ્તારમાં પોતાના પરિચિતો ને જણાવીને પ્રવેશ સંખ્યામાં સારો એવો વધારો કરી શકે.

નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં નવા પ્રવેશ વધારે થાય તે માટે એપ્રિલ-મેં-જૂન મહિનાઓમાં અનુકૂળતા મુજબ શાળાનો રૂબરૂ મુલાકાત અથવા ટેલિફોનિક સંપર્ક કરશો. 

જીવનના દરેક યુદ્ધમાં એક યોદ્ધાની જેમ અડગ ઉભા રહેતા શીખવનાર, સફળતા પ્રાપ્ત કરવાની પાત્રતા અપાવનાર, એક મોભો મેળવવાની ખુમારી જગાડનાર, મને શૂન્યમાંથી સર્જનહાર બનવાની લાયકાત અપાવનાર અને મારા બાળકોની અંગ્રેજી શાળાની ફી ભરવા માટે મને કાબેલ બનાવનાર મારી ઓ ગુજરાતી શાળા - તને કોટી કોટી વંદન છે.

બસ મારી ઊર્મિઓ હવે મને અહીંથી વધારે લખવા નહિ દેશે....

ગૌરવ ચેતનકુમાર ત્રિવેદી,

વી.ઠા. ચોક્સી શાળા પ્રત્યે આજીવન ઋણી વિધાર્થી

(વર્ષ ૧૯૯૩ થી ૨૦૦૩)

ખાસ નોંધ: આ લેખ જો તમને ગમ્યો હોય અને શાળા પ્રત્યેની લાગણીને વશ થઇ જો તેનું ઋણ ઉતારવું હોય તો આ લેખ એ દરેક વ્યક્તિને મોકલો કે જેઓ જીવનમાં એક વાર આ શાળાનું પગથિયું વિધાર્થી તરીકે ચડયા હોય. શાળાના ના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે ૨૦૨૫-૨૬ના વર્ષે ઉજવણી માટે તમારી અનુકૂળતા હોય તે મુજબ શાળાને સહાયભૂત થવા અનુરોધ છે.

આભાર

chevron-down